Tuesday, 10 January 2012

કબુતર ઉડે..ચકલી ઉડે....

         ચાલો પેલી રમત રમીએ....રેડી .ઓકે.., બધા બેસી ગયા પલાઠી વાળીને હવે પોતાની પહેલી આંગળી જમીન પર રાખો....હમમમમમ..જરા રમતના નિયમ સમજી લો..આમાં ચકલી ઉડે, મોર ઉડે, કબુતર ઉડે, કાગડો ઉડે આવું બધું બોલુ ત્યારે તમારે ફૂરરરરરેરેરેરે..એવું નહી બોલવાનું..કારણ કે આ વાસ્તવિક જીવનની રમત છે આમાં પક્ષીઓને પાંખો ના હોય અને જો હોય તો ચાઇનીઝ દોરાથી કાપી નાખવાનીબહુ ટેન્શન નહી લેવાનું થોડું તરફડશે અને પછી મરી જશે અને એની રાહ જોવામાં એના બચ્ચા ભુખથી મરી જશે..આમેય કબુતર શાંતીનું દુત છે અને શાંતી રાખવા બલિદાન આપવું પડે..કાગડાની ચિંતાના કરતા એ તો આપણા પૂર્વજ છે માફ કરી દેશે..ચકલી હવે પક્ષી નથી રહયું ફકત પાણીના નળને કહેવાય છે..
      ચલો બીજો એક નિયમ સમજાવી દઉ કે એ લોકો વહેલી સવારે જતા હોય છે અને મોડી સાંજે પાછા ફરતા હોય છે બિલકુલ તમારા પપ્પા કમાવા જાય છે ને એમ..તો એ ટાઇમે ખાસ વધારે પતંગ ચગાવવાની એટલે વધારે પાંખો કપાય ..મજાની વાત શું છે ખબર છે.??.જયારે સવારે બે હાથથી સ્કુટર ચલાવી ને જતા પપ્પા રાત્રે ફકત એક જ હાથ સાથે ઘરે આવે એકિસડન્ટ ના કારણે ત્યારે આપણી જે ફિલીંગ્સ હોય ને બીલકુલ એવીજ હાલત થશે એ બચ્ચાઓની પણ એ તમારી જેમ ચીસ પાડીને બોલી નહી શકે કે હવે અમારું શું?? અને એનો જ તમારે ફાયદો લેવાનો..રમતમાં જીતવા તો ગમે તે કરવું પડે..ચલો, સમજી ગયા ને રેડી...ચકલી ઉડે...?? કબુતર ઉડે....??? કાગડો ઉડે....?? કોણ બોલ્યુ ..કોણ બોલ્યુ ફૂરેરેરેરેરે??? આઉટ.આઉટ
-પલક જાની.