Tuesday, 10 January 2012

કબુતર ઉડે..ચકલી ઉડે....

         ચાલો પેલી રમત રમીએ....રેડી .ઓકે.., બધા બેસી ગયા પલાઠી વાળીને હવે પોતાની પહેલી આંગળી જમીન પર રાખો....હમમમમમ..જરા રમતના નિયમ સમજી લો..આમાં ચકલી ઉડે, મોર ઉડે, કબુતર ઉડે, કાગડો ઉડે આવું બધું બોલુ ત્યારે તમારે ફૂરરરરરેરેરેરે..એવું નહી બોલવાનું..કારણ કે આ વાસ્તવિક જીવનની રમત છે આમાં પક્ષીઓને પાંખો ના હોય અને જો હોય તો ચાઇનીઝ દોરાથી કાપી નાખવાનીબહુ ટેન્શન નહી લેવાનું થોડું તરફડશે અને પછી મરી જશે અને એની રાહ જોવામાં એના બચ્ચા ભુખથી મરી જશે..આમેય કબુતર શાંતીનું દુત છે અને શાંતી રાખવા બલિદાન આપવું પડે..કાગડાની ચિંતાના કરતા એ તો આપણા પૂર્વજ છે માફ કરી દેશે..ચકલી હવે પક્ષી નથી રહયું ફકત પાણીના નળને કહેવાય છે..
      ચલો બીજો એક નિયમ સમજાવી દઉ કે એ લોકો વહેલી સવારે જતા હોય છે અને મોડી સાંજે પાછા ફરતા હોય છે બિલકુલ તમારા પપ્પા કમાવા જાય છે ને એમ..તો એ ટાઇમે ખાસ વધારે પતંગ ચગાવવાની એટલે વધારે પાંખો કપાય ..મજાની વાત શું છે ખબર છે.??.જયારે સવારે બે હાથથી સ્કુટર ચલાવી ને જતા પપ્પા રાત્રે ફકત એક જ હાથ સાથે ઘરે આવે એકિસડન્ટ ના કારણે ત્યારે આપણી જે ફિલીંગ્સ હોય ને બીલકુલ એવીજ હાલત થશે એ બચ્ચાઓની પણ એ તમારી જેમ ચીસ પાડીને બોલી નહી શકે કે હવે અમારું શું?? અને એનો જ તમારે ફાયદો લેવાનો..રમતમાં જીતવા તો ગમે તે કરવું પડે..ચલો, સમજી ગયા ને રેડી...ચકલી ઉડે...?? કબુતર ઉડે....??? કાગડો ઉડે....?? કોણ બોલ્યુ ..કોણ બોલ્યુ ફૂરેરેરેરેરે??? આઉટ.આઉટ
-પલક જાની.


Monday, 19 December 2011

બ્લુ ટુથ

            કોલેજ ના કેટલાક યંગસ્ટર્સ કે જેમને ઓલ્વેઝ એવું લાગે છે કે એમને કોઇ સમજતું નથી..અને જેઓ ટેવાઇ ગયા છે એવા વાકયો થી કે "તુ કઇ કરતો નથી ને રખડી ખાય છે"કંઇક કરી બતાવવાની આગ ઠંડી પાડવા તેઓ ઠંડી માં આગ આપવાનું વિચારે છે..એટલે કે ધાબળા કે રજાઇ જે કાઇ મળે તે ઓઢાડવું ફૂટપાથ પર સુતેલા ગરીબો ને..આમાં કોઇ અપેક્ષા નથી કે બીજે દિવસે પેપરમાં "આદર્શ યુવાનો" ના ટાઇટલ સાથે ફોટો છપાય..બસ પોતાને અંદરથી સંતોષ થાય તેવું કાંઇક કરવું છે..એક ધ્યેય અને યુવાની જોશ જોત જોતામાં તો ધાબળાઓ નો ઢગલો કરી નાખે છે
         ઠંડીની રાત છે ..ફૂટપાથ પર એક પરિવાર સુવાની કોશીશ કરી રહયો છે કારણકે ચાર જણાં ના પગ અને માથાને ઢંIકી શકે તેવી ચાદર મળી નથીએક કુતરું એમના વાસણો ચાટી રહયું છે અને બાજું માં ફાટેલી શાલ ઓઢીને ઘરનો વડીલ બીડી ફૂંકી રહયો છે..કદાચ ધાબળો આપવા માટે આનાથી આદર્શ કોઇ પરીવાર ના હોઇ શકે..યુવાનોની ગાડી આ પરીવાર પાસે આવી ને પોતાના હાથે ત્રણ ધાબળા ઓઢાડીને જાણે કંઇક કરી બતાવ્યાનો અદભૂત સંતોષ લે છે..અને નિકળી પડે છે આવાજ કોઇક બીજા પરીવાર ની શોધમાં..એ ગરીબ બાળકોને વિશ્વાસ થઇ જાય છે કે ભગવાન કોઇ દિવસ મરતા નથી..એ હોય છે..
       યુવાનોના જતાંની સાથે જ ઘરનો એ વડીલ બીડી ઓલવી ને..બાળકોને ઓઢાડેલા એ ધાબળા પાછા ખેંચી લે છે..અને ફરી એમને થથરવા માટે છોડી દે છે..અને પેલા નવા ધાબળા વાળીને પાછા મુકી દે છે..બાળકોનો વિશ્વાસ તુટી જાય છે કે ભગવાન નથી હોતા ફકત અમારો બાપ હોય છે..આ નજરે જોયેલુ દશ્ય છે..ગરીબી એ ધંધો બની ગઇ છે..ગરીબ ને પાછળ બ્લુ ટુથ હોય છે...જો કે બાળક એ નિર્દોષ છે એ ગરીબ ઘરમાં જન્મ્યું એમાં એનો કોઇ વાંક નથી..સ્વેટર, જેકેટ,કેપ, રજાઇ અને બંધ રૂમ હોવા છતાં જો તમને ઠંડી લાગતી હોય તો એની શું દશા હશે એ વિચારવી પણ શકય નથી..માટે માનવતાની એક ફરજ તરીકે એને ઓઢાડવા જજો અને દાન કર્યાની લાગણી સંતોષાતી હોય તો એ રીતે પણ જજો..પણ તમારી વસ્તુ ત્યાં ટકશે અને એનો ઉપયોગ થશે એવી ખાતરી લઇ ને જ આવજો
      જો ગરીબી ધંધો બની શકતી હોય તો દાન યોગ્ય માર્ગે જાય છે કે નહી એજાણવાની તમારી ઇશ્વરે આપેલી નોકરી છે..પરફેકટ અને પારદર્શક.
-પલક જાની..

Sunday, 18 December 2011


જન્મના એક મહિના પહેલા બાપાએ નકકી કર્યુ કે છોકરો થશે તો નામ હશે "કંદર્પ" અને છોકરી થશે તો "કલ્પના"..માતૃશ્રીને આ નામો સાથે વાંધો હતો એટલે એમણે બીજા બે નામો નકકી કરી નાખ્યા "વિકાસ" અને "ધરા"...
છેલ્લે બંને એ નકકી કર્યુ કે સગાવહાલા અને મિત્રોમાં પુછીને નકકી કરવું..બાપાના બોસે કહયું કે "મિલન" સરસ નામ છે..તો માતૃશ્રીની બહેનપણી એ કહયું કે "મૃગાંક" જેવું કોઇ નામ નહી...અંતે બાપાએ ગુગલમાં શોધ ચલાવી અને માતૃશ્રીએ ઓટલા પરીષદમાં...પણ જન્મના છઠ્ઠા દિવસે વિધિ પ્રમાણે ફોઇબા એ કોઇ વિચિત્ર નામ આપી દિધું.બસ આ રીતે સરકારી હોસ્પિટલોમાં ભટકતા દર્દી ની જેમ ભટકતું નામ મળી ગયું..પછી શરુ થયો ખેલ એ નામને ટકાવી રાખવાનો..જન્મના દાખલામાં,સ્કુલમાં,કોલેજમાં,ઓફિસમાં,કંકોત્રીમાં,રેશનકાર્ડમાં અને છેલ્લે ડેથ સર્ટીફિકેટમાં..જે ખરેખરતો ફોઇબાને ચા પિધા વગર આવેલો એક વિચાર જ હતો અને જીવનભરનો સંઘર્ષ એ ફોઇબાના ગતકડાંને સાચવી રાખવામાટે નો હતો...
આપણા ભગવાનોના નામ પાછળ એક કથા છુપાયેલી હોય છે કદાચ એમના ઉમદાગુણોની કથા....કદાચ ગુણ પ્રમાણે આપણા નામ હોત તો કેટલાય મકાનોની બહાર શ્રીનાલાયક, શ્રી હલકટ અને શ્રી ઇષાઁળૂઓની તકતીઓ લટકતી હોત...
-પલક જાની

Tuesday, 13 December 2011

કુલ ડયુડ

એક જગ્યાએ ગરમા ગરમ ભજીયા ખવાય છે તો બીજી બાજુ ચ્યવનપ્રાશના ડબ્બાઓ ખાલી થાય છે...
એક બાજુ ગરમા ગરમ ચ્હાની વરાળ નાકમાં જાય છે તો બીજી બાજુ હળદર નાખેલા દુધની..
કોઇ જગ્યાએ વ્હિસ્કીની બોટલ ખુલે છે તો કોઇ જગ્યા એ વિક્સ બામની...
કોઇ રજાઇ ઓઢીને તડકાની રાહ જુવે છે તો કોઇ તડકો આવતા પહેલા દોડવા ભાગે છે..
કોઇ યોગાથી સમાધી મેળવવાના પ્રયત્નમાં છે તો કોઇ સંભોગથી...
કોઇને તાપણી તપાવે છે જયારે કોઇને તનનો સ્પર્શ તપાવે છે કે બેડરૂમનું હિટર....
ઠંડી એક જ છે ફકત માણસે માણસે કલર બદલાય છે, ગુલાબી થી કાતિલ સુધી,ફુટપાથથી ફાઇવસ્ટારથી સુધી...

-પલક જાની

Monday, 12 December 2011

"નવું સરનામું"

"પકડો કલમ અને કોઇ પળે એમ પણ બને
હાથ આખે આખો બળે એમ પણ બને..."

ગુજરાતી સાહિત્ય ના શ્રેષ્ઠ કવિઓમાં ના એક મનોજ ખંડેરીયા એ જયારે આ શ્રેષ્ઠ રચના કરી હશે ત્યારે કદાચ કલમ અને પેપર નો દબદબો હશે.પણ અત્યારે કદાચ એમણે લખી હોત તો એવું લખવું પડયું હોત કે

"પકડો કિબોર્ડ ને કોઇ પળે એમ પણ બને....
મોનીટર આખેઆખું  બળે એમ પણ બને.."

વિચારો લખીને અભિવ્યકત કરવાની શૈલી એક જ હોય છે એ પછી કિબોર્ડથી થાય કે કલમથી..બંને માં હવે મોબીલિટી છે, તમે કોઇ પહાડ પર જઇને એકાંતમાં લખી શકો તો ત્યાં લેપટોપ પણ લઇ જઇ ને ટાઇપ પણ કરી શકો..પણ જયાં લોકો સુધી ઝડપથી પંહોચવાની વાત આવે છે ત્યાં ચોકકસ ટેકનોલોજી આગળ છે..પાદરામાં બેઠેલા મનહર ભાઇનો વિચાર એકાદ મિનિટમાં પેરીસમાં બેઠેલા મેથ્યુ સુધી પંહોચે છે ફકત એક કિલક ના સહારે..

અમિતાભથી અન્નાહજારેની લોકપ્રિયતામાં ઘણે અંશે સોશ્યલ નેટવર્કિંગનો ફાળો રહયો છે..કોઇના બ્લોગ ન્યુઝ બનતા હોય છે તો કોઇના આંદોલનની જવાળા...છેલ્લા એકાદ વર્ષથી હું મારા વિચાર ફેસબુક ના સ્ટેસસ પર વ્યકત કરતો રહયો છું ખાસ કરીને ગુજરાતીમાં..બિમાર પડેલી ગુજરાતી ભાષાને સાજી કરવાના એક પ્રયત્ન સાથે શરૂ કરેલા એ સ્ટેટસ ને તમે લોકો આવકાર આપ્યો એ બદલ હું નહી ગુજરાતી તમારો આભાર માને છે..ભાડાના મકાન માં થી પોતાના ઘરમાં આવ્યાની લાગણી સાથે..આજથી હું મારો બ્લોગ શરૂ કરવા જઇ રહયો છું. કહેવાય છે શુભકાર્યમાં ગણપતિની હાજરી જરુરી છે..આજે મંગળવાર છે અને મારુ કાર્ય કેટલું શુભ હશે એ કદાચ ગણપતિ જ નકકી કરશે..

-પલક જાની